Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarati Poets Anil Chavda Poetry And Kavita

જ્યારથી / અનિલ ચાવડા


જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.
હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.


જેમ ડાળી પર / અનિલ ચાવડા


જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઉગે,
કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે.
હું સરોવરનો મગર છું કે મને તું છેતરે?
એમ કૈં થોડાં જ વૃક્ષોની ઉપર હૃદય ઉગે?
છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી,
કાળ વીતે એમ ચ્હેરા પર બધાના વય ઉગે.
ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે,
ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઉગે.
‘મિત્ર! તેં શ્રદ્ધાઓ જે વાવી’તી એનું શું થયું?’
પૂછવા પાછળ અમારો એ જ છે આશય; ઉગે.

એવા હાલ પર આવી ગયા / અનિલ ચાવડા


એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.
કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.
એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.
શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.

સવાર લઈને / અનિલ ચાવડા



આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઇ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.
તું નિકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.
આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કતાર લઈને.
જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.
હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને..

કમાલ થઈ ગઈ / અનિલ ચાવડા


કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.
ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.

વધારે કૈં નથી / અનિલ ચાવડા


જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી,
ને સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ વધારે કૈં નથી.

ઊંઘવું કે જાગવું કે બોલવું કે ચાલવું કે દોડવું કે હાંફવું;
આ બધામાં એકદમ કારણ વગરનાં કારણો છીએ વધારે કૈં નથી.

તું પ્રવાહિતાની જ્યારે વાત છેડે ને તરત હસવું જ આવી જાય છે,
મૂળમાં તો હિમશીલાની જેમ થીજેલી ક્ષણો છીએ વધારે કૈં નથી.

શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.

અધીરો છે ઈશ્વર / અનિલ ચાવડા


અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.
કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,
ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે.
સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,
ફક્ત ખાબોચિયાં છે આ બધાં તો ખારવા માટે.
કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.

કાયમી પીડા / અનિલ ચાવડા


કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.
છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું.
જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?
વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.
દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.

જીવન ચણવા બેઠા / અનિલ ચાવડા


શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા
આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા
વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા
એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા
‘કશું નથી’ના ખેતરમાં જઈ, બે’ક અધૂરી ગાળો દઈ,
 દાતરડું લઈ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

સંપ માટીએ કર્યો / અનિલ ચાવડા


સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
કાન તો કાપી લીધા’તા ભીંતના,
તો પછી આ વાત ક્યાંથી લીક થઈ?
હું કળી માફક જરા ઊઘડી ગયો,
એટલામાં પણ તને તકલીફ થઈ?
આંસુનો સર્વે કર્યો તો જાણ્યું કે-
આંખમાં વસ્તી વધારે ગીચ થઈ.
કેટલું સારું છે ઊડતા પંખીને,
કોઈ ચિંતા નહિ કઈ તારીખ થઈ?

દીકરા સાથે રહેવા / અનિલ ચાવડા


દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.
આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.
ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.
જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.
ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.


This post first appeared on Poetry Khajana, please read the originial post: here

Share the post

Gujarati Poets Anil Chavda Poetry And Kavita

×

Subscribe to Poetry Khajana

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×