Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

H-1B વિઝામાં આકરા નિયમો : ભારતીયો થશે ભારત ભેગા ? વાંચો

– ટ્રમ્પની નવી વિઝા નીતિના કારણે હજારો ભારતીયોએ ઘર ભેગા થવું પડે એવી શક્યતા

– અમેરિકન રાષ્ટ્રપતિની ‘બાય અમેરિકન હાયર અમેરિકન’ નીતિ અનુસાર સ્થાનિકોને નોકરીઓમાં પ્રાધાન્ય આપવાના નિર્ણયના કારણે અમેરિકાનું સામાજિક-આર્થિક માળખું જ પડી ભાંગે એવી શક્યતા રહેલી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વીઝા અંગેના પ્રસ્તાવિત નિયમના કારણે લાખો ભારતીયોને અમેરિકા છોડવું પડે એવી શક્યતા સર્જાઇ છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીનો પ્રસ્તાવ છે કે જે લોકોની ગ્રીન કાર્ડ માટેની અરજી પેન્ડીંગ હોય તેવા લોકો H-1B વિઝા પર અમેરિકામાં નહીં રહી શકે. આ પ્રસ્તાવ હાઉસ કમિટીએ પાસ કરી દીધો છે અને હવે તે અમેરિકન સેનેટમાં રજૂ થવાનો છે. ટ્રમ્પ પ્રશાસનના આ પ્રસ્તાવના કારણે અમેરિકામાં રહેતા ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં વ્યાપક ચિંતા પ્રસરી રહી છે. H-1B વિઝામાં કોઇ પણ પ્રકારનો ફેરફાર થાય તો ભારતને મોટો આંચકો મળે એમ છે. એ પાછળનું કારણ સ્પષ્ટ છે કે ભારતના ૧૫૦ અબજ ડોલરના સોફ્ટવેર સર્વિસિઝના માર્કેટનો મોટો હિસ્સો અમેરિકાથી આવે છે. ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ જેવી ભારતીય આઇટી કંપનીઓ H-1B વિઝાના આધારે જ મોટી સંખ્યામાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયરોને અમેરિકા મોકલતી હોય છે. H-1B વિઝા પ્રાપ્ત કરવા માટેની મુખ્ય શરતોમાં છે વાર્ષિક પગાર જે હાલ ૬૦ હજાર ડોલર હોવો જરૃરી છે. એ ઉપરાંત આ વિઝા માટે અરજી કરનાર પાસે માસ્ટર ડિગ્રી હોવી જરૃરી છે. એચવન બી વિઝાનો વાર્ષિક ક્વોટા હાલ ૬૫ હજારનો છે જેની ફાળવણી લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓ માટે વધારાના ૨૦ હજાર એડવાન્સ એચવન બી વિઝાની વ્યવસ્થા પણ છે. એચવનબી વિઝાની હાલની જોગવાઇઓની વાત કરીએ તો બીજા દેશોમાંથી અમેરિકામાં H-1B વિઝા પર આવેલા લોકોને ત્રણ વર્ષ સુધી રહેવાની પરવાનગી મળે છે અને આ સમયગાળો બીજા ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે. જો કોઇ વ્યક્તિ આ રીતે છ વર્ષ અમેરિકામાં ગાળે તો તે અમેરિકામાં સ્થાયી નાગરિકત્ત્વ એટલે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. જ્યાં સુધી ગ્રીન કાર્ડની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એ વ્યક્તિના વિઝા લંબાયા કરે છે. ગ્રીન કાર્ડ માટેની અરજી પેન્ડીંગ હોય એવા લોકોમાં સૌથી વધારે પ્રોફેશનલ્સ ભારત અને ચીનના છે. કેટલાય લોકો તો એવા છે જેમની ગ્રીન કાર્ડની અરજી છેલ્લા દસ કે બાર વર્ષથી પેન્ડીંગ છે. ટ્રમ્પ સરકારના પ્રસ્તાવિત સુધારા અનુસાર જો કોઇ H-1B વિઝા ધારકે પોતાના અમેરિકી વસવાટના છઠ્ઠા વર્ષમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી હોય તો તેણે આ પ્રક્રિયા પૂરી થતા સુધી અમેરિકા છોડીને પોતાના વતન પરત ફરવું પડશે. અમેરિકામાં કાયમી વસવાટ કરવા માંગતા લોકો માટે  H-1B વિઝા એકદમ અનુકૂળ છે. ખાસ કરીને ભારત અને ચીનના સોફ્ટવેર નિષ્ણાંતો એચવન બી વિઝા પ્રાપ્ત કર્યા પછી આગામી છ વર્ષમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે જે પ્રાપ્ત થયા બાદ કાયમી નાગરિક બનવા તરફ મીટ માંડે છે. માઇક્રોસોફ્ટના સત્યા નાડેલા કે ગુગલના સુંદર પિચાઇ આવા જ ઉદાહરણ છે. ખરેખર તો હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ્સના કારણે જ અમેરિકાની ટેક ઇન્ડસ્ટ્રી ટકી રહી છે અને અમેરિકા આ વાત જાણે છે એટલા માટે જ પાછલી સરકારો આ વિઝા નીતિનું સમર્થન કરતી આવી છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ આનાથી સાવ વિપરિત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જ ટ્રમ્પે ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’નું સૂત્ર વહેતું કર્યું હતું જે અંતર્ગત ટ્રમ્પે વચન આપ્યું હતું કે અમેરિકામાં સ્થાનિક નોકરીઓમાં અમેરિકન લોકોને જ પ્રાથમિકતા આપવામાં આવશે. રાષ્ટ્રપતિ બન્યા પછી એક પછી એક ચૂંટણી વાયદાઓ પૂરા કરવામાં મચી પડેલા ટ્રમ્પ હવે H-1B વિઝા પાછળ પડયાં છે. ગ્રીન કાર્ડની અરજી પેન્ડીંગ હોય એ સમય દરમિયાન અમેરિકા છોડવાની શરત ઉપરાંત નવી વિઝા નીતિમાં બીજી કેટલીક આકરી શરતોનો પણ સમાવેશ થાય છે. પ્રસ્તાવિત બિલ અનુસાર એચવન બી વિઝા અંતર્ગત અમેરિકા આવનારા લોકોની વાર્ષિક સેલેરી ૬૦ હજાર ડોલરથી વધારીને ૧.૩૦ લાખ ડોલર કરવાનો પ્રસ્તાવ છે જે શરત ઘણી જ આકરી છે અને તેનાથી ભારતીય આઇટી કંપનીઓને મોટો ફટકો પડે એમ છે. આ ઉપરાંત નવા બિલમાં શૈક્ષણિક લાયકાતમાં માસ્ટર ડિગ્રી દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે જેની પાછળ એવી દલીલ કરવામાં આવી છે કે બીજા દેશોમાં માસ્ટર ડિગ્રી આસાનીથી મળી જતી હોય છે. નવા બિલનો હેતુ જ કંપનીઓને અમેરિકન લોકોને નોકરી આપવા માટે પ્રોત્સાહિત અથવા સીધા શબ્દોમાં કહીએ તો મજબૂર કરવાનો છે. પ્રસ્તાવિત નવી નીતિમાં અમેરિકાના લેબર વિભાગને વધારે અધિકાર આપવામાં આવ્યાં છે. ખાસ કરીને નવી જોગવાઇઓનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે અને મોટો દંડ ફટકારવા માટે આ અધિકાર આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત કંપનીઓએ હાઇ સ્કીલ્ડ લોકોને જ અમેરિકામાં લાવવા પડે એ માટે દેખરેખ રાખવાની પણ વ્યવસ્થા ગોઠવવાનો પ્રસ્તાવ છે. નવા નિયમની મંજૂરી બાદ ભારતની સોફ્ટવેર કંપનીઓને સૌથી વધારે નુકસાન થવાની શક્યતા છે. ભારતીય સોફ્ટવેર કંપનીઓના કુલ વેપારનો લગભગ અડધો અડધ હિસ્સો અમેરિકામાંથી આવે છે. નવી વિઝા નીતિના કારણે અમેરિકા વસવા માંગતા ભારતના લોકોને તો તકલીફ પડશે જ સાથે સાથે ભારત આવતા વિદેશી ભંડોળને પણ મોટો ફટકો પડશે. કેટલાક નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝા અંગેના નિયમો આકરા કરવા માટે કાયદાકીય સમસ્યાઓ પણ નડી શકે છે. આની પાછળનું કારણ એ છે કે નવી વિઝા નીતિની અસર માત્ર ભારતીય સોફ્ટવેર કંપનીઓને જ નહીં પરંતુ અમેરિકાની પણ અનેક મોટી કંપનીઓને થઇ શકે છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, આઇબીએમ જેવી અમેરિકન કંપનીઓમાં મોટી સંખ્યામાં ભારતીય સોફ્ટવેર નિષ્ણાંતો કામ કરી રહ્યાં છે. લાંબા સમયથી અમેરિકામાં રહેતા અને ગ્રીન કાર્ડ માટે અરજી કરેલા કર્મચારીઓની તરફેણમાં આવી કંપનીઓ સરકાર સામે કેસ પણ કરી શકે છે. જો ટ્રમ્પ પ્રશાસનની નવી વિઝા નીતિના કારણે હજારો ભારતીયોએ અમેરિકા છોડવું પડે તો એ સ્થિતિમાં અમેરિકામાં માત્ર વેપાર જ નહીં પરંતુ સામાજિક-રાજકીય સ્તરે પણ મોટા પાયે પડઘા પડે એમ છે. અનેક વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ સરકાર માત્ર ભાવનાઓમાં વહીને અને વિદેશીઓ સ્થાનિકોની નોકરીઓ પડાવી જાય છે તેવી ખોટી માન્યતાના કારણે આ પહેલ કરી રહી છે. ટ્રમ્પ સરકાર વાસ્તવિક સ્થિતિ અને તથ્યો જોતી નથી. જે લોકો પાસે H-1B વિઝા છે અને જેઓ ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે એવા લોકોના વિઝા એક્સટેન્શન રોકવાનો કોઇ અર્થ નથી. આમ કરવાથી અમેરિકાની કંપનીઓને જ મોટું નુકસાન થશે અને અમેરિકામાં વસતા અનેક પરિવારોને પણ અસર થશે. અમેરિકામાં ભારત અને ચીન જેવા વિદેશી પ્રોફેશનલ્સ ફાવી જવા પાછળનું સૌથી મોટું કારણ જ એ છે કે ત્યાં સ્થાનિક સ્તરે કુશળ વ્યવસાયીઓ તૈયાર થતા નથી. એ સંજોગોમાં જો ભારતના સ્કીલ્ડ પ્રોફેશનલ્સના સ્થાને સ્થાનિકોને ભરતી કરવામાં આવે તો પણ કંપનીઓ માટે સમસ્યા સર્જાય એમ છે. નવી વિઝા નીતિના કારણે માત્ર એચવન બી વિઝા ધારકોને જ નહીં ગ્રીન કાર્ડ મેળવવા માંગતા લોકો માટે પણ સમસ્યા સર્જાય એવી શક્યતા છે. ગ્રીન કાર્ડ કે નાગરિકતા માટે અરજી કરનારા લોકોને કોઇ સમસ્યા નડે તો અમેરિકન સાંસદો તેમની મદદ કરતા હોય છે. કેટલાક મામલાઓમાં તો સાંસદો પ્રાઇવસી વેઇવર સાઇન કરે છે જે પછી તેમનું ખાતું યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસીઝના સંપર્કમાં રહી શકે છે અનેે રિપોર્ટ મેળવી શકે છે. નવી વિઝા નીતિ બાદ આ કામગીરી વધારે કપરી બની જશે અને સાંસદો દ્વારા વિઝા એપ્લીકેશનમાં મદદ કરવી આસાન નહીં રહે. ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા અંગેની આકરી શરતોનો અમેરિકાના માનવ અધિકાર સંગઠનોએ ભારે વિરોધ કર્યો છે. હાલ તો આ બિલ સેનેટમાં રજૂ થવા જઇ રહ્યું છે અને જો તે પસાર થઇ ગયું તો અમેરિકા વસવા માંગતા હજારો ભારતીયોનું સપનું રોળાઇ જાય એમ છે.

The post H-1B વિઝામાં આકરા નિયમો : ભારતીયો થશે ભારત ભેગા ? વાંચો appeared first on Breaking News.This post first appeared on News Update, please read the originial post: here

Share the post

H-1B વિઝામાં આકરા નિયમો : ભારતીયો થશે ભારત ભેગા ? વાંચો

×

Subscribe to News Update

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×